ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને સાયલા ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જનસભાને સંબોધન કર્યુ હતુ. તે પૂર્વે એક ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ પાટડી ખાતે જનસભામાં ઉપસ્થિત સૌને ભાજપાના ૩૯માં સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી તથા સને ૧૯૮૦માં શ્રી અટલજી અને શ્રી અડવાણીજી સહિતના અનેક દેશપ્રેમી નેતાઓ દ્વારા ભાજપાની સ્થાપના થઇ હતી. જનસંઘના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીએ કશ્મીરની સમસ્યાને કારણે સરકારમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો અને જણાવ્યુ હતુ કે, ‘‘એક દેશ મેં દો વિધાન નહીં ચલેંગે’’ જે સિધ્ધ કરે છે કે ભાજપા માટે સત્તા નહી પરંતુ દેશહિત-દેશની એકતા અને અખંડિતતા મહત્વની છે. જ્યારે ભાજપાની સ્થાપના થઇ ત્યારે દુરદુર સુધી ખબર નહોતી કે કોઇ સ્વીકારવા તૈયાર નહોતુ કે દેશમાં ભાજપાની સરકાર બનશે. શ્રી અટલજી અને શ્રી અડવાણીજી સહિત અનેક કાર્યકર્તાઓએ લોકો વચ્ચે જઇ સેવાની ભાવના સાથે ભારતના વૈભવી વારસાને જાળવવાની કટિબધ્ધતા સાથે, ‘‘ભારત પ્રથમ’’ના સિધ્ધાંતને અનુસરીને ભાજપાના રાષ્ટ્રવાદી વિચારને જનજન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. શ્રી અટલજીએ કહ્યુ હતુ કે, ‘‘અંધેરા છટેગા, સુરજ નીકલેગા, કમલ ખીલેગા’’ અને આજે ભાજપા વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી છે અને દેશમાં ભાજપાની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર છે. શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના શાસનમાં પાટડીમાં ન વીજળી હતી, ન રસ્તા હતા, ન આવાગમનની સુવિધા હતી, ન આરોગ્યની સુવિધા હતી, ન શિક્ષણની સુવિધા હતી કે ન તો પીવા માટે પાણી હતુ તેની સામે આજે ભાજપાના શાસનમાં આ તમામ સુવિધાઓ પાટડીની જનતા માટે ઉપલબ્ધ છે. ગરીબના સંતાનને પણ યોગ્ય શિક્ષણ મળે તેની ચિંતા ભાજપાએ કરી છે અને છેવાડાના ગામડાઓ સુધી શૈક્ષણિક માળખું ઉભું કર્યુ છે. દેશમાં ૫૫ વર્ષ સુધી રાજ કરનારી કોંગ્રેસ ગામડાઓમાં પીવાનું કે સીંચાઇનું પાણી ન પહોંચાડી શકી અને આજે મત માંગવા નીકળી છે. સુરેન્દ્રનગર જેવી સુકી ધરતીને લીલીછમ કરવાનો શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી વિચારને જાય છે. શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, જેએનયુ ખાતે ‘‘ભારત તેરે ટુકડે હોંગે’’, ‘‘તુમ કીતને અફઝલ મારોંગે, ઘર-ઘર સે અફઝલ નીકલેગા’’ જેવા દેશવિરોધી નારા થયા હતા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના સમર્થનમાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. કન્હૈયાકુમાર જેવા દેશ વિરોધી તત્વોને છાવરવા માટે કોંગ્રેસ સત્તામાં આવીને દેશદ્રોહની કલમ નાબૂદ કરવાની વાત કરી રહી છે. હંમેશા પાકિસ્તાનની ભાષા બોલતી, આતંકવાદીઓને છાવરતી અને સેનાનું મનોબળ તોડતી કોંગ્રેસના હાથમાં દેશ સોંપવો કે આતંકવાદનો જડમૂળથી સફાયો કરવા કટિબધ્ધ એવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સમર્થન કરવુ. તમામ સુખ-સુવિધાઓ હોય પરંતુ સુરક્ષા-સલામતી જ ન હોય તો શું જીવી શકાય? ત્યારે આજે દેશની જનતા આતંકવાદની કમર તોડનાર, ભારતની સુરક્ષા-સલામતી માટે કટિબધ્ધ માં ભારતીના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીને ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનાવવાનું મન બનાવી ચૂકી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા વીર પુરુષ ૧૫૦-૨૦૦ વર્ષે જન્મતા હોય છે અને આપણે તો ગૌરવ લેવો જોઇએ કે શ્રી નરેન્દ્રભાઇ મોદી તો ગુજરાતના છે. જેમની માતાએ આખું જીવન ૧૦X૧૦ ની ઓરડીમાં વિતાવ્યું હોય, જેમનો પરીવાર આજે એક સામાન્ય નાગરિકની જેમ જીવન ગુજારતો હોય એવા શ્રી નરેન્દ્રભાઇની પ્રમાણિકતા અને નિષ્ઠા ઉપર પ્રશ્ન ઉઠાવતી કોંગ્રેસને શરમ આવવી જોઇએ. શરમની વાત એ છે કે જેઓએ બાળપણથી જ ગરીબી જોઇ નથી મોટા રાજઘરાનામાં જન્મ લીધો છે તેવા લોકો આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપર પાયા વગરના જુઠ્ઠા આરોપો લગાવી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિદેશનીતિના વખાણ કરતાં શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મોદીજી જાપાન, ચાઇના, ઇઝરાયેલ, રશીયા, અમેરિકા સહિતના અનેક દેશોમાં જઇને ભારતના હિતની વાત કરી છે તેમજ ભારતના સાંસ્કૃતિક વારસાને વિશ્વસ્તરે ઓળખ આપી છે. ભૂતકાળમાં જ્યારે દેશના પ્રધાનમંત્રીઓ વિદેશમાં જતા તો તેમની કોઇ નોંધ લેતું નહોતુ અને આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વિદેશમાં વાયુસેનાના વિમાનમાંથી ઉતરે ત્યારે દેશની ૧૩૦ કરોડ જનતા જાણે સિંહ ઉતરી રહ્યો હોય તેવી અનુભૂતિ અને ગર્વ અનુભવે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ અપાવી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની રગેરગમાં દેશદાઝ છે. ૧૯૯૨માં જ્યારે આતંકવાદીઓએ કહ્યું હતુ કે, ‘માનુ દૂધ પીધુ હોય તો કાશ્મીરમાં ભારતનો ધ્વજ ફરકાવી બતાવો’ ત્યારે તંગદીલીભર્યા વાતાવરણમાં બોમ્બધડાકા થઇ રહ્યા હતા ત્યારે ચારે તરફ ભયનો માહોલ હતો ત્યારે ભારત માતાના લાલ એવા મોદીજીએ આતંકવાદીઓનો આ પડકાર ઝીલ્યો હતો અને નિર્ણય કર્યો હતો કે તેઓ ભારત માતા માટે ખપી જશે પણ ધ્વજ તો ફરકાવીને જ રહેશે. અને ત્યારબાદ તેઓએ કાશ્મીરમાં જઇ શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો અને આતંકવાદીઓને સણસણતો જવાબ આપ્યો હતો. શ્રી વાઘાણીએ ઉપસ્થિત સૌને આજથી શરૂ થનાર ચૈત્રી નવરાત્રીની શુભકામનાઓ આપી હતી અને અંતમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર ડૉ. મહેન્દ્ર મુંજપરાને ભવ્ય વિજય અપાવવા માટે સમગ્ર વિસ્તારના કાર્યકર્તા અને નગરજનોને હાકલ કરી હતી.દૈદિપ્યમાન ભારતના નિર્માણ માટે ભારતને વિશ્વગુરુના સ્થાને પુનઃ બિરાજીત કરવા માટે ગુજરાતની જનતા તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપાને વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.