આપણા આદિવાસીઓ, આપણું ગૌરવ - શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨
નર્મદા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ ના ત્રિ-દિવસિય કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી આજે ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા, કારેલી અને નઘાતપોર ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રી નજીકમાં આવેલા સમશેરપુરા ગામે આદિવાસી વિધવા મહિલાના ઘરે પહોંચ્યા હતા.
ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રીએ જેમના ઘરે મહેમાનગતિ કરી ભોજન કર્યું હતું તે લાલીબેન વિઠ્ઠલભાઈ તડવી પતિના અવસાન અને દિકરીઓનાં લગ્ન થઈ જતાં હવે એકલાં જ રહે છે. આજે પણ ૭૦ વર્ષની ઉંમરે જાતે જ પોતાની ખેતી અને મજૂરી કરી જીવન-ગુજરાન ચલાવી રહ્યાં છે. તેમના ફળિયાના લોકો અને દિકરીના બાળકો (પૌત્રો) ખેતી કામમાં મદદરૂપ થાય છે. આર્થિક ભૂખ સંતોષવા માટે ક્યારેક મજૂરી પણ કરી લેતા હોય છે. પરંતુ સંતોષી જીવના લાલીબેન તડવીએ નિખાલસ ભાવે મંત્રીશ્રીની આગતા સ્વાગતા કરી જાણે પોતાનો દિકરો વર્ષો બાદ ઘરે પધાર્યો હોય તેમ મંત્રીશ્રીને જમણ પીરસ્યું હતું.
મંત્રીશ્રી વાઘાણીએ બાદમાં લાલીબેન સાથે સુખ દુઃખની વાતો કરી હતી. સાથોસાથ ફળિયાની અન્ય બહેનો સાથે પણ હળવાશની પળોમાં વાતો કરી તેમની સાથે બાળકો અને અન્ય સંબંધીઓના બાળકોના શિક્ષણ અંગે ચર્ચા કરી હતી. તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. મંત્રીશ્રીએ તેમની સાથે જમીન પર બેસીને જ ભોજન આરોગ્યું હતું.
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આ અવસરે જણાવ્યું હતું કે, લીલાબેનના ઘરે આવી મને ઘણો આનંદ થયો છે. મારે મન કોઈ ગરીબ નથી, આદિવાસી વિસ્તારમાં મારે શાળા પ્રવેસોત્સવમાં આવવાનું થયું ત્યારે બધાની સાથે તેમના જેવા જ થઈને રહેવું તે મારા પરિવારમાંથી મળેલા સંસ્કારો છે. અહીં જેમની આગળ પાછળ કોઈ નથી તેવા માજીના ઘરે આવીને શુધ્ધ અને સાત્વિક ભોજનમાં મકાઈનો રોટલો આરોગતાં સંતોષની લાગણી સાથે ખેડૂતનો દિકરો હોવાની અનુભૂતિ કરી છે. મને દિકરાની જેમ બાજુમાં બેસાડીને થાળી પીરસી જમાડ્યો છે તેથી પોતીકાપણાનો અનુભવ થયો છે.