10 Jun 2019 | Mon
આપણા આદિવાસીઓ, આપણું ગૌરવ

આદિવાસી સંસ્કૃતિ એ આપણા ગુજરાતની સુવર્ણ ધરોહર છે, જે સંસ્કૃતિએ ગુજરાતની સમૃદ્ધિ અને રાજ્યની પ્રગતિમાં એમનું અનન્ય યોગદાન આપ્યું છે. રાજ્યના આદિવાસીઓ સદીઓથી આ ગુર્જરી ધરાને રળિયાત કરતા રહ્યા છે. પૌરાણિકકાળમાં આ જ વનસાવીઓએ ભગવાન શ્રી રામને મદદ કરીને એમને લંકા સુધી પહોંચવામાં સરળતા કરી આપી હતી. તો અંગ્રેજોની ગુલામી દરમિયાન ડાંગ તેમજ અન્ય આદિવાસી પ્રદેશના શૂરવીરો એમની સામે પડેલા અને અંગ્રેજી સલ્તનના પાયા હચમચાવી નાંખેલા. અંગ્રેજોના શાસન દરમિયાન બહુ જૂજ વખત એવું બન્યું હશે, જ્યાં અંગ્રેજોએ ભારતના કોઈ સૈન્યની વાત માની હોય, પરંતુ આપણા ડાંગના સપૂતો એ બાબતે નોખી માટીના સાબિત થયેલા, જેમણે અંગ્રેજોને ભોં ભેગા કરેલા.

 

આતો પૌરાણિકકાળ અને બ્રિટીશ શાસન દરમિયાનની વાત થઈ, પરંતુ આજના સમયમાં પણ આપણા રાજ્ય અને દેશની પ્રગતિઓમાં આદિવાસીઓ એમનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. જ્યાં રાજ્યના વિકાસના તમામ કાર્યોમાં ડાંગથી લઈ દાહોદ કે બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર સુધીના આદિવાસીઓએ એમનું શ્રમદાન આપ્યું છે અને એ શ્રમદાનને પગલે જ રાજ્યનું વખાણવાલાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દેશના રસ્તાઓ અને ઉદ્યોગ તેમજ ખેતીના ક્ષેત્રમાં આપણે આગેકૂચ કરી રહ્યા છીએ.

 

આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાના આ પાવન અવસરે હું એ તમામ આદિવાસી ભાઈ-બહેનોનો આભાર માનું છું, જેમણે નરેન્દ્રભાઈ મોદીના વિકાસના સપનાંને એમના શ્રમદાનના માધ્યમથી પરિપૂર્ણ કર્યું. તેમજ એ વડીલ અદિવાસીઓને વંદન કરું છું, જેમણે આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા અને આપણા ગૌરવને ટકાવી રાખવા સતત ખંત કર્યો છે. ગુજરાતના અન્ય પ્રદેશના લોકોને પણ આજે આહ્વાન કરું છું કે, ચાલો આજે આપણે સૌ આપણા આદિવાસી ભાઈબહેનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ અને એમના વિકાસના ગૌરવમાં સહભાગી થઈએ.

 

ભારત માતા કી જય