ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીની અપીલને પગલે મધુ સિલિકા કંપની તરફથી રૂા. ૧૫ લાખથી વધુની કિંમતના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સર ટી. હોસ્પિટલને અર્પણ કર્યા હતાં. ભાવનગર મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. જયેશ બ્રમ્હભટ્ટને તે અર્પણ કરવામાં આવ્યાં હતાં. ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણના સમયમાં અનેક સેવાભાવી લોકોએ અનેક રીતે રાજ્ય સરકાર સાથે ખભેખભો મીલાવી કાર્ય કર્યું છે. આવા જ ભાવનગરના સેવાભાવી અને જાણીતી મધુ સિલિકા કંપનીના માલિક શ્રી દર્શક રમેશભાઇ શાહ દ્વારા આજે ભાવનગરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે ૧૦ લીટર પ્રતિ મિનિટની ક્ષમતાના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા છે. તદ્ઉપરાંત આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પોર્ટેબલ અને મુવેબલ છે. તેથી તેને ગમે તે જગ્યાએ મૂકી શકાય તેમ હોવાથી વાપરવામાં સગવડતાવાળા છે. તેથી મેડિકલની રીતે તેની ઉપયોગીતા વધી જશે. ભાવેણાં એ કોરોનાના કપરાંકાળમાં પોતાના સંસ્કારોને ઝળકાવીને અનેક પ્રકારની મદદ કરી છે. તે જમવાની વાત હોય, મેડિકલ સાધનોની વાત હોય, આ તમામ બાબતોમાં ભાવેણાએ આગળ આવીને કાર્ય કરી સેવાની સુવાસને વધારી છે. આપણે ઇચ્છીએ કે, આ ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ઉપયોગ ન કરવો પડે. પરંતુ કોરોનાનું સંક્રમણ જે રીતે ફેલાયેલું છે તેનો સામનો કરવાં માટે ઓક્સિજનની વ્યવસ્થા હવે કરવી જ પડે તેમ છે. કોરોના સામે લડવાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરની આ સગવડ ઉપયોગી બની રહેશે. ધારાસભ્યશ્રીએ પોતાના એક જ કહેણથી મધુ સિલિકા કંપનીના માલિકોએ આ સેવા માટે પોતાનો હાથ લંબાવ્યો છે તે માટે તેમને અભિનંદન પણ આપ્યાં હતાં. આ અવસરે મધુ સિલિકા કંપનીના ભરતભાઇ શાહ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના દર્શકભાઇ, મેડિકલ કોલેજના ડીન, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતાં.