ગુજરાતના સપુત અને કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહે ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેઓએ પોતાના લોકસભા વિસ્તાર અંતર્ગત અનેક પ્રકલ્પો અને ગૃહ વિભાગ, ગુજરાત રાજ્યની નવી પહેલ ‘વિશ્વાસ’ અને સાયબર ‘આશ્વસ્ત’ નો કન્વેશન સેન્ટર, મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ રોકવા તથા ગુન્હા ઉકેલવા માટે ‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટ આજથી કાર્યાન્વિત કર્યો છે. ૧૦૦ નંબર ડાયલ કરવાથી તથા રાજયના નવનિર્મિત એવા સાત જિલ્લાઓમાં ૧૧૨ નંબર ડાયલ કરવાથી ત્વરીત મદદ ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડ્યા હોય ઈન્સ્યોરન્સના બહાને પૈસા ઉપાડયા હોય કે, ઓ.એલ.એક્સ પર પૈસા ગુમાવ્યા હોય તેવા સાયબર ગુન્હા સંદર્ભમાં આ પ્રોજેક્ટ ઉપયોગી થશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતીતિ કરાવવા માટે કાયદો-વ્યવસ્થાનું સુચારુ પાલન અત્યંત જરૂરી છે. બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભાં થયા છે ત્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટેકનોલોજીનો મહતમ ઉપયોગ જરૂરી છે. તેઓએ ગુજરાત પોલીસની અભિનવ પહેલ ને બિરદાવતા જણાવ્યું હતું કે ગુજરાતે હમેંશા દરેક ક્ષેત્રે દેશ માટે દિશા ચીંધવાનું કાર્ય કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આજમાં ડીજીટલ યુગમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ ખુબ જ વધ્યું છે એટલે ટેકનોલોજી યુક્ત વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રજાની સુખાકારી માટે ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ આજની તાતી જરૂરીયાત છે. ગુજરાત પોલીસ દ્વારા શરુ કરાયેલ ‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટ અંતર્ગત કરેલી પહેલ આ દિશામાં પરિણામલક્ષી પૂરવાર થશે. તેઓએ ક્રાઈમ રેટ ઘટાડવામાં ગુજરાત પોલીસના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજયની છબિ ધરાવે છે. બદલાતા સમયમાં સાય બર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભા થયા છે ત્યારે આ ક્ષેત્રની ગુન્હાખોરી અટકાવવા આ પ્રોજેક્ટ ઉપયોગી તો થશે જ પરંતુ, સાયબર ગુનાથી પીડાતા લોકોને સાચા અર્થમાં વિશ્વસનીય રીતે આશ્વસ્ત કરશે. શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ક્ષત્રે અગ્રેસર રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ આ અભિગમની શરૂઆત કરી હતી અને ગુજરાતે આ પ્રોજેક્ટના અમલ દ્વારા એને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સી.સી.ટીવીના માધ્યમથી શહેરો-રાજયની એક-એક જગ્યા પર વોચ રાખીને તેનું પૃથ્થકરણ કરીને માહિતી કે પ્રવૃત્તિને ઈન્વેસ્ટિગેશન ઓફિસર સુધી પહોંચાડી શકાશે. આ વ્યવસ્થા બદલ રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રીશ્રી અને રાજ્યના પોલીસ વડાને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી શાહે ઉમેર્યું કે, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં ઉત્કૃષ્ઠ સીમાચિહ્નો પ્રસ્થાપિત કરનારી ભાજપના નેતૃત્વવાળી ગુજરાત સરકારે શાંતિ, સુશાસન માટે અનેક ડાયમેન્શન ઉમેર્યાં છે. ૧૯૮૦-૯૦ના દાયકામાં કોમી રમખાણોના રાજય તરીકે ઓળખાતું ગુજરાત આજે વિકાસના રોલમોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. તેના પાયામાં રાજય સરકારની પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને દિર્ઘ દ્રષ્ટિપૂર્ણ આયોજન છે. અને ગુજરાતે શાંતિ, સુશાસનની કરેલી અનુભૂતિ ના મૂળમાં પોલીસ ની કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપ નથી તે છે. એક સમય હતો કે ગુજરાતમાં વર્ષમાં ૨૦૦ દિવસ કરફ્યું લાગેલો રહેતો હતો. જગન્નાથ રથયાત્રા ભગવાન ભરોસે જ થતી હતી. એ જ ગુજરાત આજે સુરક્ષાની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતુ. શ્રી શાહે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય ઇચ્છાશક્તિ અને મક્કમ મનોબળનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કાશ્મિરને દેશથી અલગ કરતી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવા દેશનો દરેક નાગરિક ઈચ્છતો હતો પરંતુ તત્કાલીન સરકારોએ મતબેંકની રાજનીતિના પગલે કંઈ ના કર્યું. પરંતુ રાષ્ટ્રભાવથી પ્રેરિત ભાજપા સરકાર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નિર્ધારના કારને આ કલમ દૂર થઇ કાશ્મિર દેશનું અભિન્ન અંગ બન્યું છે તે દેશ કાયમ યાદ રાખશે. અમારી સરકારે ઈન્ટર્નલ અને એક્ષ્ટર્નલ એ બંને બાજુના પડકારોનો સામનો કરીને સુરક્ષાને જ સર્વોચ્ચતા આપી છે. શ્રી શાહે કહ્યું હતું કે કેન્દ્રમાં ભાજપાની સરકાર સ્થાપિત થઇ ત્યારથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદેશનીતિ અને સુરક્ષા નીતિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. વિશ્વના તમામ દેશોને મેસેજ આપ્યો છે કે, ભારત શાંતિપ્રિય દેશ છે અને શાંતિને વરેલો છે અને આ જ અમારી વિદેશી નીતિ છે પરંતુ અમારા દેશ પર કોઈ અતિક્રમણ કરશે તો, અમારી ટોપ પ્રાયોરિટી સુરક્ષાનીતિ હશે અને તે દેશને અમે જડબાતોડ જવાબ આપીશું. ઉરી અને પુલવામાના હુમલાના પગલે આતંકવાદી સંગઠનો પર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો તે આપણી સુરક્ષા નીતિનું ઉદાહરણ છે. દુનિયામાં બે જ દેશ એવા હતા કે જે પોતાની પર થયેલા હુમલાનો મક્કમતાથી જવાબ આપી શકતા હતા. ઈઝરાયેલ અને અમેરિકા. આ સર્જીકલ અને એર સ્ટાઈક બાદ તેમાં ત્રીજુ નામ ભારતનું ઉમેરાયું છે. શ્રી શાહે જણાવ્યું કે ભાજપા સરકારની વિદેશ નીતિ, સુરક્ષા નીતિ અને અન્ય કોઇપણ બાબતે વિપક્ષ પાસે કોઈ મુદ્દો જ નથી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકલ્પ પણ નથી. આ માટે જ વિપક્ષો નાગરિકતા સંશોધન કાયદા સંદર્ભે પ્રજામાં કોઈ જ શંકા નથી પરંતુ આ બાબતે શંકા-કુશંકાઓ કરીને અપપ્રચાર અને જુઠાંણાના માધ્યમથી શાંતિ ડહોળવાનો પ્રયાસ દેશભરમાં કરાઈ રહ્યો છે તે દુખદ છે.પરંતુ દેશની પ્રજા પરિપકવ છે અને આવા જુઠાણાઓને પગ હોતા નથી એટલે તે લાંબો સમય ટકતા નથી.. આવા અપપ્રચાર અને જુઠાણાથી શાંતિ ડહોળનારા તત્વોથી લોકો ચેતે તેવી તાકીદ પણ શ્રી શાહે કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશ વિકાસની હરણફાળ ભરીને પ્રગતિ કરી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિર્ઘ દ્રષ્ટિપૂર્ણ આયોજનના પગલે દેશનું અર્થતંત્ર વિશ્વમાં અગ્રિમ હરોળમાં પહોંચ્યું છે. આઝાદીથી અત્યાર સુધીના આંતરિક સુરક્ષા જાળવણીમાં શહિદ થયેલા ૩૫ હજાર પોલીસ જવાનોને ઉચિત સન્માન આપવા દિલ્હીમાં બનેલા નેશન વૉર મેમોરિયલનો ઉલ્લેખ કરી શ્રી શાહે જણાવ્યું હતુ કે, આ સ્મારકમાં શહિદ જવાનોની બલિદાનની ગાથા પ્રદર્શિત કરાઈ છે. યુવા પેઢી સહિત દેશના લોકો તેની મુલાકાત લે તે માટે તેઓએ આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીએ તેના ઉદ્બોધનમાં જણાવ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતીના લીરા ઉડી ગયા હતા. માફિયાઓ, ખંડણીખોરો અને અસામાજિક તત્વોની રંજાડ વધી ગઈ હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ 2001થી ગુજરાતનું શાસન સંભાળ્યું ત્યારથી નરેન્દ્રભાઈ, અમિતભાઈની જોડીએ આવા તત્ત્વો સામે કડક હાથે કામ લેવાની અને સખ્તાઈથી પેશ આવવા પોલીસ દળનું મનોબળ વધાર્ યું તેના પરિણામે ગુજરાતમાં કોમી તોફાનો બંધ થયા, કાયદાનુ રાજ્ય સ્થપાયું અને બે દાયકામાં ગુજરાત દરેક ક્ષેત્રે ટેકનોલોજીના વિનયોગથી રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું એમ તેમણે રાજ્ય પોલીસ દળની કાર્યદક્ષતાને બિરદાવતા જણાવ્યું ઉમેર્યું હતું. શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આવનાર સમયના પડકારોને ઝીલવા ગુજરાત પોલીસે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાઇબર ક્રાઇમ સામે સજ્જતાથી બાથ ભીડી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે હવેનો યુગ સાયબર વોર એટલે કે સાયબર યુદ્ધનો છે. ગુનેગારો અને ગુનો આચરનારા આવી સાયબર ટેકનોલોજીથી ગુના કરે છે. પરંતુ ગુજરાત પોલીસ નવા નવા ટેકનોલોજીયુક્ત આયામોથી આ સાયબર યુદ્ધ જીતશે જ તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. ગુજરાતમાં સાયબર બુલીંગ, સાયબર ક્રાઈમથી થતાં ઓનલાઈન ચીટિંગથી લોકોને છેતરી તેમના પૈસા પડાવી લેતા લેભાગુઓને હવે પળવારમાં પકડી પાડવા સાયબર ‘આશ્વસ્ત’ અને ‘વિશ્વાસ’ના આ પ્રોજેક્ટ્ મહત્વપૂર્ણ ટુલ બનશે. ગુજરાતમાં ક્રાઈમ રેઈટ નીચો તથા ડિટેક્શન રેઈટ હાઈ છે.રાજ્ય પોલીસના ત્રિનેત્ર અને નેત્રમના કેમેરા ઉપયોગથી વ્યૂહાત્મક સ્થાનો અને સંવેદનશીલ વિસ્તારો સહિત ક્યાંય પણ ગુનો બને કે કાયદો વ્યવસ્થા કથળે તો તુરત જ પોલીસને જાણ થાય અને તેને ત્વરાએ કાબુમાં લઈ શકાય છે તે બાબતનો ઉલ્લેખ કરી ગૌરવ વ્યક્ત કરી પોલીસ દળને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે લોન્ચ થયેલા ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટથી જનતા જનાર્દન આશ્વસ્ત થશે. અને ગુનાખારી અને ગુનો આચરનારાથી તેને રક્ષણ મળશે.‘વિશ્વાસ’ પ્રોજેક્ટ રાજ્યની જનતાની સુરક્ષા,સલામતી માટેનો વિશ્વાસ વધારશે. સાથો- સાથ ગમે તેવા ગુનેગારોને પળભરમાં ઝડપી લેવાના પોલીસ દળના મનોબળ અને કાર્ય સજ્જતાનો પણ વિશ્વાસ દ્રઢ બનાવશે અને રાજ્યમાં ૭૫૦૦ કેમેરાને ૧૫૦૦ લોકેશન પર ગોઠવીને તેનું કમાન્ડ કંટ્રોલ સાથે થનારું જોડાણ કોઈ પણ વ્યક્તિને ગુનો કરતાં જ ઝડપી પાડે તેવું પરિણામદાયી બનશે. ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય ઈચ્છાશક્તિના આધાર થકી ૩૭૦, ૩૫-એ નાબૂદ કરીને સિટીઝન એમેન્ડમેન્ટ એકટ દ્વારા સમગ્ર દેશમાં નવી ચેતનાનો સંચાર કરીને દેશને વધુ સમૃદ્ધ-સુદ્રઢ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ આપણા માટે ગૌરવરૂપ છે. તેમણે ઉમેર્યું કે, રાજયના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ તેઓ ગુજરાતમાં ગૃહમંત્રી હતા ત્યારે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીની રચના કરી હતી. આજે આ ત્રણેય સંસ્થાઓએ આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. શ્રી જાડેજાએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બને એ માટે શ્રી અમિતભાઈ શાહ દ્વારા અથાગ પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે આર્મ્સ એક્ટમાં સુધારા કરીને સીઆરપીસી એક્ટમાં પણ સુધારો કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે તથા ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠેથી કોઈ આતંકવાદી ઘુસી ન જાય અને સંગઠિત ગુનાઓ નિયંત્રણ થાય એ માટે ગુજરાતે પસાર કરેલા ગુજસીટોક કાયદાને પણ તેમના માર્ગદર્શન હેઠળ મંજૂરી મળી ગઈ છે. જેના દ્વારા રાજયની શાંતિ, સલામતિ વધુ સુદ્ઢ બની છે અને ગુજરાત ગ્રોથ એન્જિન પૂરવાર થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ૨૧મી સદી એ ટેકોનોલોજીની સદી છે અને ગુનેગારો વાઈ-ફાઈની સુવિધા થકી હાઈ-ફાઈ ગુનાઓ કરતા થયા છે. સાયબર ક્રાઈમના ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે રાજયના નાગરિકો લોભામણી જાહેરાતોથી છેતરાય નહીં અને તેઓના ટ્રાન્ઝેકશનથી કોઈ પણ પ્રકારની છેતરામણી ન થાય એ માટે દેશભરમાં સૌપ્રથમ વખત ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ થઈ રહ્યો છે. જેના થકી રાજયના ૬ કરોડથી વધુ નાગરિકોને વધુ સુરક્ષા પૂરી પાડવા સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરીને સૌને સુરક્ષા પૂરી પાડવાની અમારી પ્રાથમિકતા છે અને રહેશે તેમ તેમણે ઉમેર્યું હતુ. રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ અટકે, ગુનાની તપાસ ઝડપી બને અને ગુના નિયંત્રણ રેટ ઘટે એ માટેના અમારા સંનિષ્ઠ પ્રયાસો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતુ. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટના શુભારંભની સાથે રાજયના ૨૭ જિલ્લાઓના ‘NETRAM’ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું, ગુજરાત સાયબર ક્રાઈમ પોર્ટલ, ગુજરાત કોઓર્ડિનેશન પોર્ટલ તેમજ એસએમએસ કાઉન્ટર ક્લિકનું ઈ-ઉદઘાટન કરાયં હતુ જેમાં કાર્યરત ૭ જિલ્લાઓમાંથી ૨ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સંવાદ કરીને માહિતી મેળવી હતી. જયારે આ સંદર્ભે ઈ ચલણ માટે ઓનલાઈન પેમેન્ટ પોર્ટલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત પોસ્ટલ વિભાગ દ્વારા ગુજરાતની પરંપરા-સંસ્કૃતિ-નૃત્યોની સ્મૃતિ લોકોમાં અંકિત રહે, તે અનુસાર પોસ્ટલ કવર તથા દિવ્યાંગજનોની બ્રેઈન લિપિને લગતી પોસ્ટલ વિભાગ દ્વારા બનાવેલી બુક નું શ્રી અમિતભાઈ શાહે વિમચન કરી તેનો બહુધા ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજયના નાયબમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, રાજયના કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સંસદશ્રીઓ, ધારાસ્ભ્યશ્રીઓ, પ્રદેશ સંગઠનના હોદેદારો, મેયરશ્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ, પોલીસ દળના જવાનો, ગૃહ વિભાગના અધિકારીઓ તથા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.